તાપી

રિપોર્ટ : ગૌતમ ધાંધલિયા (સુરત)

ઉકાઇના ગામડામાં જન્મેલ એક બાળક આજે અડધી પર રાજ કરી ચૂકેલા બ્રિટનના યુવકોને બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ધુળ ચટાડીને માત્ર તાપી જિલ્લાનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. બાળપણમાં ડાન્સર બનવાના સ્વપ્ન જોતા માસુમ બ્રિટનમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિનર બનતા માત્ર પરિવારજનો જ નહીં સમગ્ર ઉકાઈમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. નસીબનું પત્તુ ક્યારે કોને ક્યાં લઇ જાય તે કોઈને ખબર નથી હોતી. આ વાતને સત્ય કરતો એક કિસ્સો તાપી જિલ્લાના યુવાન સાથે બન્યો છે. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા યુવાનનો શોખ જ આજે તેનું પ્રગતિનું કારણ બન્યો છે. બોડી બનાવવાનો શોખ તો આજે સૌ કોઈ યુવાનને હોય પરંતુ આજ શોખે તાપી જિલ્લાના યુવાનની જિંદગી બદલી નાખી અને આજે તાપી જિલ્લાનો આ યુવાન લંડનમાં રહે છે અને જાણીતી એક કંપનીનો એમ્બેસેડર છે તો બીજી એક જાણીતી કંપનીનો મોડલ પણ છે. તો જાણીયે આ યુવાન વિશે...

તાપી જિલ્લાના ઉકાઈ ડેમ પાસે રહેતા રાજેશભાઈ કોઠારી પીડબલ્યુડી માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાજેશભાઈના લગ્ન દમયંતીબેન સાથે થયા. તારીખ ૨૯/૧૦/૧૯૮૬ ના રોજ દમયંતીબેન ની કુખેથી પુત્રનો જન્મ થયો. જેનું નામ માસુમ રાખવામાં આવ્યું. માસુમ નાનપણથી જ ખુબ મહેનતુ હતો. માસુમને નાનપણથી જ બોડી બનાવવાનો શોખ હતો. અને તેમાં પણ ખાસ કરીને અભિનેતા રિતિક રોશનનું કહોના પ્યાર હે ફિલ્મ રિલીઝ થયું ત્યારથી તો માસૂમે જાણે તેના જેવી જ બોડી બનાવવાનું નક્કી કરી લીધું. માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં જ માસુમે તાપી જિલ્લામાં જ એક જિમ જોઈન્ટ કર્યું અને દર મહિને ૫૦ રૂપિયા ચૂકવી જીમમાં બોડી બનાવવાની શરૂઆત કરી હતી. જોકે જીમમાં ખાસ કોઈ ટ્રેનર ન હતા જેથી માત્ર રનિંગ કસરત જ કરાવવામાં આવતી હતી. માસુમને બોડી બનાવવાની સાથે ડાન્સનો પણ ભારે શોખ હતો. તે ગામમાં જ લોકોને ડાન્સ પણ શીખવતો હતો. માસુમે કોલેજમાં એડમિશન લીધા બાદ બીકોમના પહેલા વર્ષમાં જ અધવચ્ચે જ ભણવાનું છોડી દીધુ હતું. અને માસુમ બાદમાં સુરત શહેરમાં ડાન્સ અને યોગા શીખવવા માટે આવતો હતો. 

માસુમની તકદીર આખરે સુરત શહેરથી બદલાઈ હતી. સુરતમાં ડાન્સ અને યોગા શીખવવા માટે આવતા માસુમનો ભેટો નાનપુરાના એક એજન્ટ મયંક પુજારા નામના વ્યક્તિ સાથે થયો હતો. મયંકભાઇ એ માસુમને સ્ટુડન્ટ વિઝા પર લંડન મોકલી દીધો હતો. માત્ર ૭૦૦ થી ૮૦૦ પાઉન્ડ સાથે લંડન પહોંચેલા માસુમે ઇન્ડિયન હોટલમાં જમી લોકોના ઘરની અગાસી સાફ કરી પૈસા કમાવાનું શરુ કર્યું હતું. બાદમાં માસુમને મેક ડોનર કંપનીમાં નોકરી મળી હતી અને બર્ગર બનાવવાનું શરુ કર્યું હતું. આ ઉપરાંત માસુમ રાત્રે લંડનની સુપર સ્ટોરમાં માલ સામાનની દેખરેખ રાખવાની અને ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. લંડનમાં ગયા બાદ બે વર્ષ બાદ આખરે ફરીથી તેને બોડી બનાવવાનો ચાન્સ મળ્યો હતો અને તેણે લંડનમાં એક જીમ જોઈન્ટ કર્યું હતું. માસુમે ભારે મહેનત કરી આખરે બોડી બનાવી હતી. અને લંડનમાં યોજાતી યુ.કે.યુએન બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં માસુમની મહેનત રંગ લાવી હતી અને વિજેતા જાહેર થયો હતો. જેથી માસુમના પરિવારમાં એક અનેરો ખુશીનો માહોલ હતો. 

એક કંપનીનો એમ્બેસેટર તો બીજી કંપનીનો મોડલ :

માસુમે ભારે મહેનત બાદ યુકે.યુએન.બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આખરે વિજેતા થયો હતો. માસુમ વિજેતા જાહેર થયા બાદ લંડનની બોડી પાવર કંપનીએ તેને પોતાનો એમ્બેસેડર બનાવ્યો છે. આ ઉપરાંત લંડનમાં ટીશર્ટ બનાવતી નામાંકિત ફોલીસ્ટર કંપનીએ તેને મોડેલ બનાવ્યો છે. 

ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા તૈયારી શરુ :

માસૂમે યુકે.યુએન બોડી બિલ્ડીંગ સ્પર્ધા જીતી લીધા બાદ હવે તે વધુ આગળ વધવા માંગે છે. ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ યુકે.યુએન બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાવાની છે. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતના ચલણ મુજબ ૮૦ લાખ રૂપિયાનું ઇનામ મળે છે. જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા અને વિજેતા થવા માટે માસુમે તડામાર તૈયારી શરુ કરી દીધી છે. 

બોડી બિલ્ડીંગમાં જ કારકિર્દી બનાવવાની ઈચ્છા :

માસૂમના ભાઈ ડેનિસ કોઠારીએ જણાવ્યું હતું કે માસુમને પહેલેથી જ બોડી બનાવવાનો શોખ હતો અને તેમાં જ તે કારકિર્દી બનાવવા માંગતો હતો. યોગા તથા ડાન્સ શીખવવા જતો હોવા છતાં પણ તેને તેમાં પોતાની કારકિર્દી લાગી ન હતી જેથી તેણે તે કામ છોડીને તેણે આ રસ્તો અપનાવ્યો હતો. અને આગામી સમયમાં પણ તે બોડી બિલ્ડિંગમાં જ આગળ વધી કારકિર્દી બનાવવા માંગે છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ