ગાંધીનગર

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારથી 3 દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. રાહુલે GST વિશે કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં પાંચ પ્રકારના નહીં પરંતુ એક જ ટેક્સ જોઈએ. રાહુલ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન 13 વિધાનસભા મત વિસ્તાર ખૂંદી વળશે. જેમાં 8માં ભાજપ અને 5માં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે. પ્રાંતિજમાં જનસભાને સંબોધન દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલને પણ જીએસટી અંતર્ગત લાવો. હિંમતનગરમાં રાહુલનો વિરોધ કરવામાં આવ્યો હતો.
રાહુલે ગુજરાતમાં કહ્યું, ‘મોદી-શાહ આવે તો પણ ડિસેમ્બરમાં ભાજપ સરકાર નહીં આવે’ ઇડરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં 90 ટકા કોલેજનું ખાનગીકરણ થઇ ગયું છે. આજે કોલેજમાં દાખલ થવું હોય તો ખિસ્સામાં 10-15 લાખ રૂપિયા હોવા જોઇએ. ચીન બે દિવસમાં એક લાખ યુવાનોને રોજગારી આપે છે, આ જ કામ કરવામાં નરેન્દ્ર મોદીની સરકારને એક વર્ષ લાગે છે. જે લોકો ચીન સાથે મુકાબલો કરી શકે તેમને કંઇ આપવું નથી. બેંક લોન, પૈસા બધુ મોદીજી પાંચ-10 લોકોને આપે છે. રાહુલે ગુજરાતમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી આવે, અમિત શાહ આવે, નિર્મલા સિતારામણજી આવે કે યુપીના સીએમ યોગીજી આવે તો પણ ડિસેમ્બરમાં ભાજપ સરકાર નહીં આવે.
હિંમતનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ, લાગ્યા મોદી-મોદીના નારા
રાહુલ ગાંધીનો કાફલો હિંમતનગર પહોંચી ગયો છે. જ્યાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. જેમાં તેમણે મોદી પર જય શાહ, જીએસટી અને નોટબંધીને લઇને પ્રહારો કર્યા હતા, બીજી તરફ હિંમતનગરમાં રાહુલ ગાંધીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલનો કાફલો જ્યારે હિંમતનગરમાં પહોંચ્યો ત્યારે ભાજપના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો અને મોદી-મોદીના સૂત્રો પોકાર્યા હતા.
રાહુલનો કાફલો પ્રાતિંજ પહોંચ્યો હતો. જ્યાં તેમણે સભા સંબોધી હતી. પ્રાંતિજમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જય શાહની કંપનીને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરી હતી. તેમજ ભારતમાં પેટ્રોલ અને ડીઝલમા ભાવ વધારો છે, જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી લેવામાં આવે તો તેમાં ઘટાડો થઇ શકે છે તેમ જણાવી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવામાં આવે તેવી માગ પણ કરી હતી.
અક્ષરધામ મંદિરની મુલાકાત બાદ ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલે રાહુલ ગાંધીનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ચિલોડામાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. અહીં તેમણે જીએસટી મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જીએસટી પર રાજકારણ રમાઇ રહ્યું છે. હજી સુધારાની જરૂર છે. દેશના લોકોને એક જ ટેક્સ જોઇએ છે પાંચ નહીં. દેશમાં લાખો યુવાનો બેરોજગાર છે.
જ્યારે અંબાજીમાં અંબાજી માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, શંખેશ્વરમાં જૈનપ્રભુ, પાટણમાં કાલિકા મૈયા અને દલિતોના ઇષ્ટદેવ વીરમાયાદેવ, વરાણામાં આઇ ખોડિયાર માતાજી તેમજ થરામાં વાળીનાથ દાદા સહિત કુલ 7 મંદિરોમાં દર્શન કરવા જશે. જ્યારે 12 સ્થળોએ જાહેરસભા સંબોધશે. જેમાં પ્રથમ દિવસે શનિવારે પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા કરશે. બીજા દિવસે રવિવારે પાલનપુર, ડીસા, થરા અને પાટણમાં જાહેરસભા સંબોધશે. જ્યારે ત્રીજા દિવસે સોમવારે વરાણા, બહુચરાજી, મહેસાણા અને વિસનગરમાં સભા કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અતિવૃષ્ટિ સમયે ધાનેરાની મુલાકાત સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાવાની ઘટના બની હતી, જેને લઇ આ વખતે સ્થાનિક પોલીસ ઉપરાંત એસપીજી દ્વારા વિશેષ બંદોબસ્ત વ્યવસ્થા કરાઇ છે.
બપોરે 2-00 વાગે ઇડરની સરપ્રતાપ હાઇસ્કૂલ ખાતે યુવા રોજગાર સભા અને 3-50 વાગે ખેડબ્રહ્મામાં આદિવાસી વિકાસસભાને સંબોધન કરશે. જેમાં ખેડૂતો, મોંઘવારી, રોજગારી અને આદિવાસીઓ સહિતના પ્રશ્નો ઉઠાવશે. સાંજના 5 વાગે દાંતા તાલુકાના હડાદથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યાંથી અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી અહીં જ રાત્રિરોકાણ કરશે.

બીજા દિવસે રવિવારે સવારે 10 વાગે દાંતા ખાતે સ્વાગત બાદ પાલનપુરની રામપુરા ચોકડી ખાતે સવારે 10-30 વાગે જાહેર સભા સંબોધશે. ત્યાંથી પાટણ પહોંચશે. ત્રીજા દિવસે સોમવારે પાટણમાં કાલિકામૈયા અને વીરમાયાના દર્શન, 9-30 વાગે રાણકી વાવ, 10 વાગે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક અને ત્યાંથી 10-30 કલાકે હારિજ જવા રવાના થશે. ત્યાંથી બપોરે 1 વાગે શંખેશ્વર પહોંચશે. જ્યાં દર્શન કરીને બપોરે 2 વાગે બહુચરાજી પહોંચશે. ત્યાંથી બાયપાસ માર્ગે મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત કચ્છી કડવા પાટીદારની વાડી સામે ખુલ્લા મેદાનમાં મહિલા સંમેલનને સંબોધશે. સાંજના 5-30 કલાકે વિસનગર જવા રવાના થશે. વિસનગરમાં કાંસા રોડ પર સ્થિત વિશાલા પાર્ટીપ્લોટમાં જાહેરસભા યોજી ગોઝારિયા માર્ગે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ