મહેસાણા

પદમાવત ફિલ્મ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં શુક્રવારે સવારે રાજપુત સમાજના વિવિધ સંગઠનોએ સંયુકત પણે મહેસાણાની મોઢેરા ચોકડી પર ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ચારેબાજુથી આવતાં વાહનો લગભગ 40 મિનિટ સુધી અટકાવી દેવાતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે અહીં પહોંચેલા બી ડિવિજન પીઆઇ ભાસ્કર વ્યાસ સહિત પોલીસ કાફલાએ કાર્યક્રમમાં જોડાયેલા 20થી વધુ યુવાનોની અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવાયા હતા.

જ્યાં બે કલાક બાદ તમામને મુક્ત કરાયા હતા. બીજી બાજુ યુવાનોની અટકાયતના મુદ્દે રોષે ભરાયેલા યુવાનોએ નુગર બાયપાસ પરચારે બાજુ ટાયરો સળગાવી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે, નાગલપુર વિસ્તારમાં યુવાનો કાર્યક્રમ આપે તે પહેલાં જ પોલીસ પહોંચી જતાં યુવાનો વિખરાઇ ગયા હતા.