નર્મદા

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા તરફથી દેડીયાપાડા નજીક આમલી ગામે ડુંગર-ટેકરી પર આદિવાસીઓની આસ્થા સમા અંબા માતાજીના મંદિર ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો શ્રધ્ધાપૂર્વક દર્શને આવતા હોય છે, ત્યારે આ ધાર્મિક સ્થળ મીની યાત્રાધામ તરીકે વિકસાવવા કરાયેલા રચનાત્મક સૂચન પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરવા શ્રી નિનામાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. તદ્ઉપરાંત શ્રી પી.ડી. વસાવાએ રાજપીપલાની આયુર્વેદિક દવાખાના-હોસ્પિટલ ખાતે મંજુર થયેલી તબીબો સહિત અન્ય મહેકમની જગ્યાઓ ઉપર પુરતી સંખ્યામાં ભરતી થાય તેવી પણ રજુઆત કરી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. શશીકુમાર, પ્રાયોજના વહિવટદારશ્રી વી.બી. બારીયા,  એસ.એલ.આર.શ્રી એસ.એફ. સૈયદ, જિલ્લા આયોજન અધિકારીશ્રી આઇ.કે. પટણી, પ્રાંત અધિકારીશ્રીઓ શ્રી ધવલ પંડ્યા અને શ્રી ડી.એન. ચૌધરી, નાયબ કલેક્ટશ્રરી (MDM) શ્રી આર.એમ. ચૌધરી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જિલ્લાના શિક્ષણ, પંચાયત, મહેસુલ, સિંચાઇ, એસ.ટી., જમીન માપણી, માર્ગ અને મકાન, નગરપાલિકા, વન વિભાગ, મહિલા અને બાળ વિકાસ વગેરે જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલા વિકાસ કામોની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જે તે કામો ઝડપથી હાથ ધરાય અને પ્રગતિ હેઠળના કામોની ગતિ વધુ તેજ બને તે જોવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં શ્રી નિનામાએ બાકી તુમાર સેન્સસ, કર્મચારીઓની પ્રવરતા યાદી, બાકી પેન્શન કેસો, રેકર્ડ વર્ગીકરણ, ખાનગી અહેવાલ, કર્મચારીઓ સામેની પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસના કેસો, નાગરિક અધિકારપત્રોના કેસો, બાકી કાગળો, સરકારી બાકી લેણાંની વસુલાત વગેરે જેવી બાબતો અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને જે તે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમણે સૂચના આપી હતી. 

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ,રાજપીપળા