મહેસાણા

મહેસાણામાં પોલીસની સાવચેતીના કારણે પાટણવાળી થતાં રહી ગઇ. રાજમહેલ સંકુલમાં કેન્ટીન નજીક એકાએક આવેલી કારમાંથી ઉતરેલા ખેરાલુના પ્રભુદાસ રાઠોડે કેરોસીન ભરેલો કેરબો શરીર પર રેડી દીવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે તેમના ઉપર ધાબળા નાખી અગ્નિશમન પાવડરનો મારો ચલાવી આત્મ વિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. 7 મિનિટ સુધી ચાલેલા ડ્રામાના કારણે અફડાતફડી મચી ગઇ હતી. પ્રભુદાસને સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. ખેરાલુ પાલિકામાં પેટા કોન્ટ્રાક્ટમાં કરેલા કામના રૂ.78 લાખ કોન્ટ્રાક્ટરે નહીં ચૂકવ્યા હોવા મામલે પ્રભુદાસે જિલ્લા કલેક્ટર સહિત સાત જગ્યા પૈકી ગમે તે એક સ્થળે આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી.

કામના મહેનતાણાની રકમ માટે છેલ્લા 4 વર્ષથી લડી રહેલા ખેરાલુના પ્રભુદાસ સોમદાસ રાઠોડ (45)એ બુધવારે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારેલી હોઇ જિલ્લા કલેક્ટર કચેરી સહિતના સ્થળે સવારે 6 વાગ્યાથી પોલીસ, ફાયરબ્રિગેડ, તબીબો સહિતની ટીમો ખડેપગે તૈનાત હતી. બપોરે 3-30 વાગે રાજમહેલ સંકુલમાં કેન્ટીનની સામે પાણીની પરબ નજીક સફેદ રંગની સેન્ટ્રોકાર (જેજે 22એ 535) એકાએક આવીને ઉભી રહેતાં ચેતી ગયેલી પોલીસે કાર તરફ દોટ મૂકી હતી.

આ સમયે કારમાંથી સફેદ રંગના શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ પ્રભુદાસે કેરબામાંથી કેરોસીન શરીર પર રેડી દીવાસળી ચાંપે તે પહેલાં જ બે પોલીસોએ તેમના પર ધાબળો નાખી બાથમાં લઇ લીધા હતા. આ સમયે નજીકમાં હાજર પ્રભુદાસના પરિવારજનો બૂમરાડ મચાવતા તેમના તરફ દોડી ગયા હતા. હાજર પોલીસે અગ્નિશમન પાવડરનો મારો ચલાવી પાટણકાંડનું પુનરાવર્તન થતું અટકાવ્યું હતું. અર્ધબેભાન અવસ્થામાં પ્રભુદાસને 108માં સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં મોડી સાંજે નાયબ મામલતદાર અને પોલીસે નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.