નર્મદા

નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે આજે સર્વ શિક્ષા અભિયાનના (SSA) અધિક નિયામક સુશ્રી જયશ્રીબેન દેવાંગત, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી. બારીયા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી મમતાબેન વસાવા, બાળ સુરક્ષા આયોગના ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી હરેન્દ્રભાઇ રાઉલ, નિવૃત્ત નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી રંજનેબન વાળા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયા વગેરેની ઉપસ્થિતિમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના દક્ષિણ ગુજરાતના ઝોનલ કક્ષાના યોજાયેલા વાર્ષિકોત્સવ-૨૦૧૮ ને કસ્તુરબા ગાંધી વિદ્યાલયની બાળાના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

        અધિક નિયામકશ્રી સુશ્રી જયશ્રીબેન દેવાંગતે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એ સારામાં સારી અદ્યતન સુવિધાયુક્ત વિદ્યાલય છે. સરકાર આ વિદ્યાલયની દરેક બાળા માટે વર્ષે ૪૫ હજારથી પણ વધુની રકમ ખર્ચે છે. સરકારના આ પ્રયત્નનું ફળ આ બાળાઓમાં જોવા મળે છે. શિક્ષણ ઉપરાંત ઇતર પ્રવૃત્તિમાં પણ ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મંચ ઉપર જેમ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાળાનું સન્માન થયું તેમ જાહેરમાં આ બધી બાળાઓનું સન્માન થાય તેવું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તેમણે આહવાન કર્યું હતું.

        નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર કન્યાના વિકાસ માટે વિશેષ કામગીરી કરી છે. નર્મદા-દાહોદ જિલ્લો મળી કુલ- ૧૭ જેટલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની કુલ- ૭૫૦ જેટલી બાળાઓ તેમનું પરર્ફોમન્સ રજુ કરશે. આ વિદ્યાલયનો સ્ટાફ દિલ અને લગનથી કામ કરે છે. આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. તા. ૮ મી માર્ચના રોજ મહિલા દિનની ઉજવણીને યાદ કરતા શ્રી નિનામાએ જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાના સ્વરક્ષણ માટે જાગૃત થાય તેવા હેતુસર રાજ્ય રસકાર મહિલા દિનની ઉજવણી કરે છે. મહિલાઓ પોતાના અધિકાર માટે પોતાની શક્તિને ઉજાગર કરી શકે, આ વિદ્યાલયની દરેક દિકરી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી સાચા અર્થમાં સશક્ત બને એવી અભિલાષા પણ શ્રી નિનામાએ આ તકે વ્યક્ત કરી હતી.

        જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રીમતી મમતાબેન વસાવા, બાળ સુરક્ષા આયોગનાં  ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી અને નિવૃત્ત નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી રંજનબેન વાળાએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતા.

        કાર્યક્રમની શરૂઆતમાં નર્મદા-દાહોદ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિવિધ ક્ષેત્રોમાં પારંગતતા પ્રાપ્ત કરીને મેડલ પ્રાપ્ત કર્યા હોય તેવી બાળાઓએ ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયાએ તેમના શાબ્દિક સ્વાગત કરી તેમના વતન ડાબરા ગામની બાળાઓએ તેમનું સ્વાગત કર્યું તે બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. વિદ્યાલયની બાળાઓને જીવનનાં ધ્યેય નક્કી કરી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહી ખંતપૂર્વક કઠોર પરિશ્રમ કરવાની શીખ આપી હતી. કાર્યક્રમના અંતમાં શિક્ષક સંઘનાં મહામંત્રી શ્રી ભરતભાઇ પટેલે આભારવિધિ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

        કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો ઝોનલ કક્ષા (નર્મદા-દાહોદ જિલ્લોનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ-૨૦૧૮ માં ૧૭ વિદ્યાલયની કુલ- ૭૫૦ જેટલી બાળાઓએ ૨૦ જેટલી કૃતિઓ રજુ કરી હતી. ઉપસ્થિત સૌ એ આ કૃતિઓ નિહાળી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. આ વાર્ષિકોત્સવમાં પ્રથમ ૧ થી ૩ ક્રમે વિજેતા કૃતિને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને શિલ્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત દાહોદ જિલ્લાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ ભૂરીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા સર્વ શિક્ષા અભિયાનના સ્ટાફ પરિવાર દ્વારા પ્રત્યેક કૃતિને રૂા. એક-એક હજારનું પ્રોત્સાહક ઇનામો પણ મહાનુભાવોનાં હસ્તે એનાયત કરાયાં હતાં.

        રિપોર્ટ :

જ્યોતિ જગતાપ , રાજપીપળા