નર્મદા

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી મગનભાઇ માળી,  વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓની હાજરીમાં બેટી બચાવો – બેટી પઢાવો ના સંકલ્પ સાથે યોજાયેલા જિલ્લાકક્ષાના મહિલા સંમેલનને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મુકાયું હતું.

ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી મગનભાઇ માળીએ મહિલા સંમેલનને ખુલ્લુ મૂકતાં તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ અને મહિલા સન્માન માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે બજેટમાં સરકારે રૂા. ૬ હજાર કરોડથી વધુ જોગવાઇ કરી છે. આ સરકારની કામગીરી દિકરીઓ માટે હંમેશ સંવેદનશીલ રહી છે.

        , વિશ્વના ફલક ઉપર ભારતીય નારી સક્ષમ છે તેવી આપણા વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાને સાકાર કરવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે વાર્ષિક રૂા. ૬૪ લાખનું ઉત્પાદન મેળવતા નિરક્ષર અમનબેન ચૌધરીનો દ્રષ્ટાંત આપી બહેનોને આર્થિક રીતે પગભર થવા પ્રોત્સાહિત કર્યાં હતા..

        આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મહિલાઓને પુરૂષ જેટલું જ મહત્વ અને સન્માન મળે તે દિશામાં સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. સરકારના પ્રયત્નોથી જિલ્લા-તાલુકા પંચાયત –નગરપાલિકા જેવી સ્થાયત સંસ્થાઓમાં આજે ૫૦ ટકા જેટલું સ્થાન મહિલાઓને મળ્યું છે. વહિવટમાં-સત્તામાં મહિલાની ભાગીદારી-નોકરીમાં ૩૩ ટકા બહેનોને લાભ મળે તેવા પ્રયાસો સરકારના રહ્યાં છે.

        આ પ્રસંગે ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી મગનભાઇ માળી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાસપોર્ટ સાઇઝના મમતા કાર્ડનું અનાવરણ કરવાની સાથોસાથ સને- ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ ના વર્ષે જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી વર્કરને અનુક્રમે રૂા. ૩૧ હજાર અને રૂા. ૨૧ હજારના પુરસ્કારના ચેક, ટ્રોફી શાલ અને પ્રમાણપત્રો એનાયત કરાયાં ઉપરાંત ઘટક કક્ષાએ પણ પ્રથમ સ્થાને વિજેતા આંગણવાડી વર્કર  અને કાર્યકરને અનુક્રમે રૂા.૨૧ હજાર અને રૂા.૧૧ હજારનો પુરસ્કારનો ચેક, ટ્રોફી, શાલ અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું. આમ, જિલ્લામાં ૨૮ વિજેતા બહેનોને કુલ રૂા. .૮૮ લાખના પુરસ્કારના ચેક એનાયત કરાયાં હતા.

        તેવી જ રીતે આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ બહેનોને પ્રમાણપત્રો ઉપરાંત આશાવર્કર બહેનોને યુનિક ડ્રેસ કોર્ડ તરીકે સાડી વિતરણ, રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર મહિલાઓ, વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીર કરનાર મહિલા રાઉન્ડ ફોરેસ્ટર અને બિટગાર્ડ રાયફલ શુટીંગમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર દિકરી વગેરેને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માન કરાયું હતું. તદ્ઉપરાંત ટેકો પ્રોજેક્ટ અન્વયે આશાવર્કર બહેનોને મોબાઇલ ફોન પણ અર્પણ કરાયાં હતા.

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ ,રાજપીપળા