ગાંધીનગર

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ સમાધાન ન થતા આજે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિઘાનસભામાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યોએ ઉભા થઈને આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હવે આગામી સાત દિવસમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ માટેની તારીખ હવે પછી રજૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે સમાધાન મુદ્દે ભાજપ તરફથી અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયેલી બબાલ મુદ્દે બુધવારે સરકાર અને વિપક્ષ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી.

આ બેઠકમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ, દંડક પંકજ પટેલ તેમજ કોંગ્રેસના શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. વિધાનસભામાં થયેલી મારામારી બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ બેઠકમાં અધ્યક્ષની સામે કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચવામાં આવે તે માટે કોંગ્રેસના ધારાસભ્યોની સજા ઘટાડીને એક વર્ષ કરવામાં આવે તેવી પ્રસ્તાવ કોંગ્રેસ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસે ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરી દીધો હતો.

બીજી તરફ વિપક્ષ કાર્યાલય તરફથી વિધાનસચિવને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં વિપક્ષ તરફથી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જેમાં 19મી ફેબ્રુઆરીથી 20મી માર્ચ સુધીના સીસીટીવી ફૂટેજ તેમજ સભ્યોની ટ્રાન્સસ્ક્રિપ્ટની માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં 1960થી લઈને અત્યાર સુધી જે પણ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેની માહિતી માંગવામાં આવી છે. એટલું જ નહીં આ સભ્યોને કયા નિયમ હેઠળ કેટલા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની માહિતી પણ માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હવે આ મુદ્દે કાયદાકીય લડાઈ લડવાની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના તાજેતરના સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યોને કયા નિયમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની માહિતી પણ પત્રમાં માંગવામાં આવી છે.

બીજી બાજુ રાજ્યના સીએમ રૂપાણીએ કોંગ્રેસને અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની અરજી પરત ખેંચી લેવા વિનંતી કરી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત વિધાનસભાની આજ દિવસ સુધીની પરંપરા રહી છે કે અધ્યક્ષ સામે ક્યારેય ચર્ચા કે મતદાન થયું નથી. આ પરંપરાને જાળવી રાખવી જોઈએ. અમ્પાયર એ અમ્પાયર છે, અધ્યક્ષ પદની ગરીમાં જાળવવી જોઈએ.'