ભરૂચ

 (યાકુબ પટેલ.ભરૂચ)

 પાલેજ :- ને.હાઇવે નંબર નંબર 48 પર ભરૂચના નબીપુર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની પોલીસ સુત્રીય માહિતી અનુસાર ને.હાઇવે નંબર નંબર 48 પર નબીપુર ગામ નજીક અાવેલી હોટલ સાહિલ પાસે ગતરાત્રીના 12.00 વાગ્યાની અાસપાસ ગેસના ખાલી સીલીન્ડર ભરીને ઉભી રહેલી ટ્રક પાછળ એક હાઇવા ટ્રકના ચાલકે પૂરપાટ ગફલતભરી રીતે ટ્રક હંકારી પાછળથી ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. 

ટ્રક - હાઇવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ટ્રકના ચાલક દરૂભાઇ મંગુભાઇ રહેવાસી પીપલોદ તા.જાંબુવા મધ્યપ્રદેશનાઓનું શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજવા પામ્યું હતું. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ટ્રકની કેબીનનો ખુરદો બોલી જવા પામ્યો હતો અને ચાલકના ફસાઇ ગયેલા મૃતદેહને પતરા ચીરીને બહાર કઢાયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતા નબીપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતક દરૂભાઇના મૃતદેહને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માત સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે...