નર્મદા

રાજપીપલા:

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ૩ વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઉંડા કરી ભાવિ પેઢીને ૫૦ વર્ષ સુધી જળ સમૃધ્ધિનો વારસો આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. આજે સવારે મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર ખાતેથી રાજ્યના ૬ જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાનના કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો અને ગ્રામીણ ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગીતાના પ્રતિભાવોનો પ્રતિસાદ આપતા આ નેમ વ્યક્ત કરી હતી.

 

        ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા નર્મદા જિલ્લા સહિત એક સાથે રાજ્યના ૬ જિલ્લાના ગામોમાં ચાલતાં સુજલામ સુફલામ જળ અભિયાનના સ્થળે જિલ્લા વહિવટીતંત્ર,સરપંચશ્રીઓ, ગ્રામજનો વગેરે સાથે સીધો સંવાદ કરીને ઉક્ત જિલ્લાઓમાં ચાલી રહેલા કામોની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યાં હતાં.

 

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે રાજકોટ,સાબરકાંઠા, જુનાગઢ, તાપી, દાહોદ અને નર્મદા જિલ્લાના જે તે નિયત ગામોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરેલા સંવાદમાં નર્મદા જિલ્લાના ભદામ ખાતે યોજાયેલા આ સંવાદ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જળસંચય અભિયાન હેઠળ જિલ્લામાં ૩૮૬ જેટલા કામોના કરાયેલા આયોજન હેઠળ જેસીબી મશીન સહિત ડમ્પર,ટ્રેક્ટર વગેરે જેવી મશીનરીથી થઇ રહેલી કામગીરી ઉપરાંત મનરેગા યોજના હેઠળ પણ હજારોની સંખ્યામાં શ્રમિકોને રોજગારી પૂરી પાડવાની સાથે જિલ્લામાં જળસંચયના આગળ ધપી રહેલા કામોની વિસ્તૃત માહિતી સાથે આંકડાકીય વિગતોની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. તેમણે જિલ્લાનાં કેટલાંક તળાવોમાં મત્સ્યબીજના ઉછેર - બીજ ઉત્પાદન માટે કરાયેલા આયોજનથી પણ મુખ્યમંત્રીશ્રીને વાકેફ કરવા ઉપરાંત જળસંચય અભિયાન માટે GNFCતરફથી રૂા.૨૫ લાખ તેમજ ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ તરફથી પણ આ જિલ્લાને રૂા. ૨૫ લાખની સહાયની વિગતોની પણ શ્રી નિનામાએ મુખ્યમંત્રીશ્રીને જાણકારી આપી હતી.

 

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વરસાદની મોસમ શરૂ થાય તે પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તળાવો ઉંડા કરવા,ચેકડેમ, નદીમાંથી કાંપ કાઢવા સહિતની જળ સંચયની કામગીરી જરૂર જણાયે વધુ મશીનરી અને મેનપાવર જોડીને પૂર્ણ કરવા તંત્રવાહકો અને સહયોગી સંસ્થાઓને સૂચન કર્યું હતું.

 

        આજના આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ અને શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ વન સંરક્ષકશ્રી કે. શશીકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.આર. ધાકરે, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી. બારીયા,કરજણ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી મોતાવર, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી અનિલ ગર્ગ, ભદામ ગામના સરપંચશ્રી શૈલેષભાઇ વસાવા, ઉપસરપંચ શ્રીમતી નિલમબેન પટેલ, ભદામના ગ્રામજનો ઉપરાંત  આસપાસના ગામના સરપંચશ્રીઓ-ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

        ભદામ ગામના સરપંચશ્રી શૈલેષભાઇ વસાવા જણાવે છે કે, આજે ખૂબ આનંદ થયો કે મુખ્યમંત્રીશ્રી સાહેબ જોડે વાત કરવાનો મોકો મળ્યો. સુજલામ સુફલામમાં તળાવ ઉંડુ કરવાની યોજના સારી છે. ગામના અઢી હજાર પશુ છે તેને પીવાના પાણીની તકલીફ પડતી હતી તે હવે નહીં પડે. ઉપસરપંચ શ્રીમતી નિલમબેન પટેલ જણાવે છે કે,ભદામ ગામે મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે આજે ગામલોકોએ સંવાદ કર્યો છે અને તળાવ ઉંડુ કરવાથી ગામને અચૂક ફાયદો થવાનો છે.

 

        ગામના રહીશ શ્રી અશોકભાઇ પટેલ જણાવે છે કે, સરકારશ્રીની સુજલામ સુફલામ જળ યોજના હેઠળ ચાલી રહેલી કામગીરી સંદર્ભે મુખ્યમંત્રીશ્રી સાથે સીધા સંવાદનો  મોકો મારા માટે અનન્ય છે. સરકારશ્રી,વહિવટીતંત્ર તેમજ ગ્રામજનો આ અભિયાનમાં ખૂબ જ સહયોગ આપી રહ્યાં છે. મુખ્યમંત્રીશ્રીના સૂચન મુજબ અહીંની કામગીરીમાં વધુ મશીનરી ઉપયોગમાં લેવાની તેમણે હિમાયત કરી હતી. અન્ય રહીશ શ્રી મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીશ્રીની સુજલામ સુફલામ યોજના અંતર્ગત વિડીયો કોન્ફરન્સમાં ઘણાં બધા હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીની ગ્રામજનો સાથેના સીધા સંવાદમાં ગામડાંને લાભદાયક એવી જનહિતની વાતો,મત્સ્યોદ્યોગ, જળ સંચય – જળ એ જ જીવન, માનવ-પશુઓ માટે લાભદાયક વાતો થઇ છે, જનહિતની યોજનાઓનો રાજ્ય અને દેશમાં અને ગ્રામજનો ખૂબ જ લાભ લે છે અને તે બદલ ગામ વતી મુખ્યમંત્રીશ્રીને અમારા ખૂબ ખૂબ અભિનંદન...

 

        ગામના અન્ય રહીશ શ્રી નિખીલભાઇ પટેલ જણાવે છે કે,આજના વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો તે બાબત જ મુખ્યમંત્રીશ્રી-ગ્રામિણ પ્રશ્નો અંગે વધુ ચિંતિત હોવાની પ્રતીતિ કરાવે છે.

 

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ , રાજપીપળા