વલસાડ-વાપી

પાલેજ :- ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં ગત રાત્રીના સુમારે પારખેત રોડ પર આવેલ અલીફ પાર્ક સોસાયટીના છેવાડે આવેલા બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં પારખેત તરફ જવાના રોડ પર અાવેલા ફારૂક ઉમરજી વેવલી તથા ખૈરૂન્નીશા ઐયુબ પટેલ સરનારવાળાના મકાનોમાં ઘરના લોકો વેકેશનમાં બહાર ગામ ગયા હોવાનો લાભ લઈને તસ્કરો ગત રાત્રીએ ત્રાટક્યા હતા. આ બંને ઘરોના બંધ દરવાજાના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશી તિજોરીઓ તોડી સામાન વેરવિખેર કરી નાખી રોકડ રકમ તથા સોનાની વીંટી લઈને પલાયન થઇ ગયા હતા. 

 

ઘર વખરીનો થોડો સામાન તસ્કરો નજીકના ખેતરોમાં વેરવિખેર કરી છોડીને ભાગી ગયા  હતા. આ બાબતે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધી રહેલા ચોરીઓના બનાવોને પગલે ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કડક બનાવે એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.