વલસાડ-વાપી

સેલવાસ :- સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નજીક આવેલ લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ કમ સ્કૂલના ગેરકાયદેસર આવેલા કેટલાક ભાગનું પ્રશાસને આજે વહેલી સવારે ડિમોલીશન હાથ ધર્યુ હતુ. સ્કૂલ સંચાલક ફતેહસિંહ ચૌહાણ રાજકીય વગ ધરાવતા રાજકારણી અને ઉદ્યોગપતિ હોય આ ડિમોલીશનની કાર્યવાહીએ રાજકીય વર્તુળોમાં ચકચાર જગાવી છે

સેલવાસ નજીક લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ અને શ્રી દેવિકાબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના ગેરકાયદેસર બાંધકામ અને ખેતીની જમીન પર સ્કૂલ સંકુલ બનાવ્યું હોવાના મુદ્દે પ્રશાસને આજે અંહી ડિમોલીશન હાથ ધર્યુ હતું.  જેમા રીંગરોડના માર્જીનમા આવતો કેટલોક હિસ્સો અને કોલજ કેમ્પસના બિલ્ડીંગનો આગળનો ભાગ પ્રશાસને તોડી પાડ્યો હતો. 

પ્રશાસને વહેલી સવારથી જ કોલેજ કેમ્પસ ખાતે બે જેસીબીની મદદથી ડિમોલીશન હાથ ધર્યુ હતુ ડિમોલીશન દરમ્યાન કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કર્યો હતો. ડિમોલીશનની કામગીરીમાં મામલતદાર, પીડબલ્યુડીના એન્જિનિયર, સર્વે સેટલમેન્ટની ટીમ, તલાટી કમ મંત્રી તેમજ આઈઆરબીના અધિકારીઓની દેખરેખ હેઠળ દબાણની કામગીરી હાથ ધરાઇ હતી

કોલેજના ડિમોલીશન અંગે કોલેજના સંચાલક ફતેહસિંહ ચૌહાણે આ કામગીરી પ્રશાસક પ્રફુલ પટેલે પોતાની સાથે કિન્નાખોરી રાખી જોહુકમીથી કરી હોવાનું અને કોઇપણ આગોતરી નોટીસ વિના સંકુલના ભાગને તોડી પાડયો હોવાની વિગતો આપી હતી. 

 ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો પ્રશાસક પ્રફુલ પટેલ અને ફતેહસિંહ ચૌહાણ વચ્ચે ચાલતા ઠંડા વિગ્રહના પરિણામે ઉદભવ્યો હોવાનું રાજકીય વર્તુળોમા પણ ચર્ચાઇ રહ્યુ છે. ફતેહસિંહ ચૌહાણ દાનહમાં લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન છે અને સેલવાસ નગરપાલિકામાં ભાજપના નગરસેવક છે તેમજ એક ઉદ્યોગપતિ હોવાના નાતે રાજકિય આગેવાનો સાથે પણ તેની સારી શાખ ધરાવે છે