નર્મદા

રાજપીપલા:

 સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિનથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી જળસંચય અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના માર્ગદર્શન અને સીધી દોરવણી હેઠળ જિલ્લામાં ચાલી રહેલા જળ સંચયના કામો વેગીલા બન્યાં છે. નાંદોદ તાલુકાનાં અંતરિયાળ એવા આશરે ૧૫૦૦ ની વસ્તી ધરાવતા આદિવાસી વિસ્તારમાં મોટીભમરી ગામે મનરેગા યોજના હેઠળ છેલ્લા દસ-બાર દિવસથી ચાલી રહેલા તળાવ ઉંડુ કરવાના કામે અંદાજે ૧૩૮ જેટલા શ્રમિકો પોતાની રોજગારી મેળવવાની સાથે પ્રજાકલ્યાણના આ મહાયજ્ઞમાં તેમના શ્રમદાનની આહૂતિ પણ આપી રહ્યાં છે.

  મોટીભમરી ગામે તળાવ ઉંડુ કરવાની આ કામગીરી હજી પણ આગામી પખવાડીયા સુધી ચાલુ રહેશે, તેમ જણાવતાં ટેકનીકલ આસિસ્ટન્ટ  ભરતભાઇ વસાવા ઉમેરે છે કે, અહીં ૩૭૦૦ ઘનમીટર માટીનું ખોદાણ થશે. નરેગા હેઠળ છેલ્લાં પાંચેક વર્ષથી સતત આ તળાવને ઉંડુ કરવાની કામગીરી હાથ ઉપર લઇએ છીએ. એટલે હાલમાં આ તળાવની ઉંડાઇ અંદાજે ૨૦ ફુટે પહોંચી છે. અહીંના તળાવમાં સામાન્ય રીતે ફેબ્રુઆરી સુધી પાણીનો જથ્થો રહે છે અને ગામ લોકોને પિયત માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે અને તેને લીધે તળાવની જળ સંગ્રહશક્તિમાં વૃધ્ધિ થઇ છે, જેના પરિણામે ગ્રામજનોની પિયત મુશ્કેલીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. આમ, પિયત સુવિધાના વ્યાપથી ગ્રામજનોની ખુશીનો હવે કોઇ પાર રહ્યોં નથી. હાલના શ્રમિકોને દૈનિક રૂા.૨૫,૧૧૬/- જેટલી રોજગારી પેટે આ કામ પૂર્ણ થયેલી અંદાજે ૪૪૦૦ માનવદિન રોજગારી ઉત્પન્ન થવાની સાથે રૂા.૮ લાખની રકમ રોજગારી પેટે ચૂકવાશે. 

 મનરેગા યોજનાની વિશેષતા એ છે કે, ગામની ભણેલી ગણેલી વ્યક્તિને તેની લાયકાત અને જ્ઞાન મુજબ મજૂરીકામ સિવાય મેટ તરીકે એટલે ગામમાં જે તે કામ શરૂ કરવા માટેની તૈયારી અને તેમાં શ્રમિક તરીકે જોડાવાની ગ્રામજનોની મોજણી- સંમતિ, સ્થળ ઉપર ખોદકામના માપ અંગે માર્ગદર્શન ઉપરાંત શ્રમિકોની હાજરી નોંધણી વગેરે જેવી વહિવટી કામગીરી લેવામાં આવી રહી છે અને તે અંગેની કામગીરી ગામના ધોરણ- ૧૨ પાસ અશ્વિનભાઇ ધનાભાઇ વસાવા અને ધોરણ- ૧૦ પાસ દિનેશભાઇ કલમસિંહ વસાવા હાલમાં કરી રહ્યાંની સાથે પોતે પણ ઘરઆંગણે ગામમાં જ રોજગારી મેળવી રહ્યાં છે. મોટી ભમરી ગામના ઉક્ત તળાવમાં વેસ્ટવીયર છે, જેથી વધારાનું પાણી ઓવરફ્લો થયેથી બહાર નિકળવાથી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

 જળસંચયની થઇ રહેલી આ કામગીરીના સ્થળે શ્રમિક તરીકે શ્રમદાન આપી રહેલા ગામના શ્રીમતી પૂનમબેન વિનોદભાઇ વસાવા કહે છે કે, સરકારે અમારા ગામમાં આ તળાવ ઉંડું કરવાની સોંપેલી કામગીરીથી અમે ખૂબ ખુશ છીએે. અનાથી અમોને સ્વરોજગારીનો લાભ મળવાથી અમારે બહારગામ જવું પડતું નથી. આ કામમાં રોજગારી મળવાથી અમારા પરિવારજનોના ભરણપોષણમાં સહાયરૂપ થવાની સાથે અમારા બાળકોને ભણતર પણ આપી શકીએ છીએ. તેવી જ રીતે સુંદરભાઇ ધનાભાઇ વસાવા જણાવે છે કે, સરકારશ્રીની મનરેગા યોજના ચાલે છે, તેમાં બહારગામ જવા કરતાંય સ્થાનિક ગામમાં જ રોજગારી મળે છે. તેથી બધા લોકો અહીં ખુશમિજાજથી કામ ઉપર આવે છે. અત્યારે જ્યારે નરેગાની કામગીરી ચાલુ થઇ છે તો અમોને ગામમાં જ રોજગારી મળી રહી છે. રોજીરોટી માટે બહાર જવાની અમારી જે સમસ્યા હતી તે હવે દુર થવાથી અમે સરકારના આભારી છીએ.  

રિપોર્ટ:

જ્યોતિ જગતાપ , રાજપીપળા