અમદાવાદ

ન્યુઝ. વિરમગામ

તસવીર:- વંદના વાસુકિયા

            ઓરી અને રુબેલા રોગ સામે રક્ષણ આપવા માટે વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્‍દ્ર પર ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને આપવામાં આવશે. વિરમગામ તાલુકાના ૯ માસથી ૧૫ વર્ષના અંદાજીત ૪૯ હજાર બાળકોને એમઆર (મિઝલ્સ રૂબેલા) રસી આપવામાં આવશે. ઓરી એક પ્રાણઘાતક રોગ છે, જે વાયરસ ધ્‍વારા ફેલાય છે. ઓરીના કોમ્પ્લીકેશનના કારણે નાની ઉંમરમાં પણ મૃત્‍યુ થઈ શકે છે. રુબેલા એક ચેપી રોગ છે, જે વાયરસ ધ્‍વારા ફેલાય છે. તેના લક્ષણો ઓરી જેવા જ હોય છે. તે કુમાર અને કન્યા બન્‍નેને થઈ શકે છે. જો કોઈ સ્‍ત્રીને સગર્ભાવસ્‍થાના શરુઆતના આ રોગનો ચેપ લાગે તો જન્‍મજાત રુબેલા સિંડ્રોમ થઈ શકે છે. તે ગર્ભ અને નવજાત બાળક માટે ઘાતક સિધ્‍ધ થઈ શકે છે.  એક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન દરમિયાન ઓરી અને રુબેલા વિરુધ્‍ધ રક્ષણ આપવા માટે વિરગમામ તાલુકા સહિત અમદાવાદ જીલ્‍લામાં તા.૧૬/૭/ર૦૧૮ થી આ અભિયાન શરુ કરવામાં આવનાર છે. જેના ભાગરુપે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયકના માર્ગદર્શન મુજબ તાલુકા કક્ષાના ઓરી રૂબેલા  વેક્સીનેશન કેમ્પેન ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ ખાતે વર્કશોપના પ્રારંભે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા દ્વારા ઓરી રૂબેલા  વેક્સીનેશન કેમ્પેનને લગતી જરુરી માહિતી આપવામાં આવી હતી. પ્રા.આ.કેન્દ્ર મણીપુરાના મેડિકલ ઓફિસર ડો.રવિન્દ્રસિંહ વાઘેલા દ્વારા ઓડીયો વિઝ્યુઅલ માધ્યમની મદદથી આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ઓરી રૂબેલા  વેક્સીનેશન કેમ્પેન ઓરીએન્ટેશન વર્કશોપને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સુપરવાઇઝર કે.એમ મકવાણા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, નીલકંઠ વાસુકિયા, બળદેવભાઇ વાઘેલા સહિતના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા દ્વારા વર્કશોપમાં નીતિ આયોગમાં નકકી થયેલ ૭ ઈન્‍ડીકેટર કાર્યક્રમોની સમીક્ષા કરી વિરમગામ તાલુકામાં સુદઢ કામગીરી કરવા આહવાન કર્યુ હતુ. જેમાં ખાસ કરીને માતા અને બાળ મૃત્‍યુદર ઘટાડવા જેમાં સગર્ભા જોખમી માતાઓ સમયસર અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કક્ષાએ પ્રસુતિની સેવાઓ મળી રહે તેવી સુચના આપવામાં આવી હતી.

પ્રા.આ.કેન્દ્ર મણીપુરાના મેડિકલ ઓફિસર ડો.રવિન્દ્રસિંહ વાઘેલા દ્વારા વિરમગામ તાલુકામાં ઓરી-રુબેલા વેકસીનેશન અભિયાન દરમિયાન તાલુકા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર વિસ્‍તાર અને શહેરી વિસ્‍તારમાં આ કાર્યક્રમ માટે લોક આગેવાનો, સામાજીક આગેવાનો નો સહયોગ, શિક્ષક મીટીંગ, મહિલા મીટીંગ, માતા મીટીંગ યોજી જનજાગૃતિ લાવી આ કામગીરી ઝુંબેશના રુપે સફળતાથી પાર પાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન સૌ પ્રથમ પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓ ત્‍યાર બાદ આંગણવાડી કેન્‍દ્રો, આશ્રમશાળા, મદ્રેશા ના બાળકોને આવરી લેવામાં આવશે. તેમજ ઔધોગિક વિસ્‍તાર માટે મોબાઈલ ટીમ ધ્‍વારા બાળકોની ટીમને આવરી લેવામાં આવશે. વર્કશોપમાં ઉપસ્‍થિત મેડીકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો, આરબીએસકે મેડિકલ ઓફિસર, એમપીએચએસ, એફએચએસ, મપહેવ, ફિહેવ સહીતના અધિકારી કર્મચારીઓને આ કાર્યક્રમ અંગેની વિસ્‍તૃત માહિતી પ્રેઝન્‍ટેશન ધ્‍વારા આપવામાં આવી હતી.