વલસાડ-વાપી

વાપી :- મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાનની આજ થી શરૂઆત થઇ છે ત્યારે રમઝાનમાં ખજૂરના આગવા મહત્વને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં સાઉદી અરબ, ઇઝરાયેલ અને કચ્છથી વલસાડમા ખજૂરના વેપારીઓએ ખજૂર મંગાવી વેંચાણ શરૂ કર્યુ છે

મુસ્લિમોના પવિત્ર તહેવાર ગણાતા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખી અલ્લાહની બંદગી કરે છે વહેલી સવારથી સાંજે સુર્ય આથમે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી કરાતા રોજા મુસ્લિમ ભાઇઓ માટે અલ્લાહ પ્રત્યનેની પોતાની બંદગીની અનોખી મિશાલ છે ત્યારે દરરોજ સુર્ય આથમ્યા બાદ રોજા ખોલતી વખતે સૌપ્રથમ ખજૂરનું સેવન કરી  ત્યાર બાદ જ અન્ય વાનગીઓ આરોગવાની વર્ષોજૂની ધાર્મિક પરંપરા છે જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં હાલ મોટી સંખ્યામાં ખજૂરનું વેંચાણ થઇ રહ્યુ છે દર વખતની જેમ આ વખતે પણ વલસાડ જિલ્લામાં સાઉદી અરબ, કચ્છ અને ઇઝરાયેલમાથી હજારો કિલો ખજૂર મંગાવવામાં આવી છે. આ અંગે રમઝાન માસમાં ખજૂર અને સૈવેયાનું વેંચાણ કરતા ઇમરાન અન્સારીએ જણાવ્યું હતુ કે આ વખતે તેમને ત્યાં સાઉદી અરબ અને કચ્છ સહીતના ખજૂરના પ્રદેશોમાથી ખજૂર મંગાવવામાં આવી છે ખજૂરની વિવિધ વેરાયટી મુજબ ૧૦૦ રુપિયાના કિલોના ભાવથી માંડીને ૧૦૦૦ રૂપિયા સુધીના કિલોના ભાવે ખજૂર વેંચાઇ રહી છે. અને ખજૂર તેમજ સેવૈયા મુસ્લિમ બિરાદરો માટે મહત્વની હોય સારી એવી માંગ વર્તાઇ રહી છે અને દરેકને પરવડે તેવા ભાવ હોય ગ્રાહકો પણ હોંશેહોંશે ખરીદી કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરો જેમ રોજા ખોલતી વખતે એક પેશી ખજૂરની ખાઇને રોજા ખોલે છે એવી જ રીતે સેવૈયાને પણ દૂધ અને ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરી સેવન કરે છે માટે આ બન્ને દરેક મુસ્લિમ બિરાદર રમજાન માસ દરમ્યાન અચૂક ખરીદી કરે છે આ વખતે જેમ ખજૂરના ભાવ કિલોના ૧૦૦થી ૧૦૦૦ સુધી છે તેવી જ રીતે સેવૈયાનો ભાવ કિલોના ૧૦૦ થી ૧૨૦ સુધી છે જે ગત વર્ષે પણ એટલો જ ભાવ હતો.