વલસાડ-વાપી

વલસાડ :- ચોમાસાને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડમાં પણ પ્રિ-મોન્સૂન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને વિજળીના તારને અડકવુ જીવને જોખમ છે જેવા સલાહ સૂચનો આપતા વિજ વિભાગમાં જ વિજ લાઇન પર કામ કરતા કર્મચારીઓ સેફ્ટીની બાબતને અવગણી કામ કરે છે

 

વલસાડના ધરમપુર રોડ ઉપર GEB દ્વારા લાઈન સિફ્ટિંગનું કામ કરી રહેલા કર્મચારીઓમાં સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો તો વિજ લાઇનની આ કામગીરીમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે પણ રમૂજ પમાડતા હતા કેમ કે લાઇન સિફ્ટીંગ દરમિયાન કોન્ટ્રાક્ટરના કેટલાક કર્મચારીઓ વલસાડના ધરમપુર માર્ગ પર કામ કરી રહ્યા હતા તેમા વિજ તારને પોલ પર જોઇન્ટ કરતા કર્મચારી પોલ ઉપર ચડીને લાઈન સિફટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જરૂરી એવુ હેલ્મેટ પહેર્યુ નહોતું પરંતુ વિજ તારની કામગીરી કરતા કર્મચારીને મદદરૂપ થતા અને નિચે ઉભેલા કર્મચારીઓ હેલ્મેટમાં સજ્જ જોવા મળ્યા હતા. નવાઇ લાગતી આ કામગીરી જોઇને આસપાસથી પસાર થતા રાહદારીઓમાં પણ આ દ્રશ્ય જોઇને કૌતુક સર્જાયુ હતું. જો કે આ અંગે વિજ લાઇનું કામ કરતા કર્મચારીને પૂછતા તેઓ પણ કોઇ જ જવાબ આપી શક્યા નહોતા અને કદાચ મોટી ભૂલ કરી હોય તેમ એકમેક તરફ એકીટશે જોઇ મૌન રહેવાનું મુનાસીબ માન્યુ હતું. 

 

ઉલ્લેખનીય છે કે વિજ તાર સાથે અને ભારેખમ વિજપોલ સાથે કાયમ કામ પાડતા વિજ કર્મચારીઓ સાથે ક્યારેક ગંભીર અકસ્માત સર્જાયા છે જેને લઇને વિજ કર્મચારીઓએ સેફ્ટી સાધનોમા સજ્જ રહી ને જ કામગીરી કરવી તે જરૂરી અને અતિ મહત્વનું છે ત્યારે વિજ કર્મચારીઓ જ જો આ રીતે બેદરકારી દાખવે તો ગંભીર ઘટના સમયે દોષ કોને દેવો?