વલસાડ-વાપી

વલસાડ કલેક્ટર કચેરી સામે આજે વિવિધ સંસ્થા અને સમિતિ દ્વારા એક દિવસીય પ્રતિક ધરણા ઉપવાસનો કાર્યક્રમ યોજાયો છે નવાઇ પમાડતી વાત એ છે કે આ ઉપવાસ પર ઉતરેલા લોકોએ જનહીતના વિવિધ મુદ્દાને લઇને આ પ્રતિક ધરણા યોજ્યા છે

 

વલસાડ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શ્રી યુવાશક્તિ મંડળ ખેરગામ, ખેરગામ તાલુકા વિકાસ સમિતિ, આદિવાસી જન જાગરણ સં. અને વિ. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનહીતના ૬ જેટલા મુદ્દા આધારિત પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો છે. 

 

તેઓની માંગ છે કે હાઇવે પર આવેલા ટોલનાકામા એસ. ટી. ને ટોલ ફ્રી કરી એસ. ટી. ના ભાડામાં મુસાફરોને રાહત આપો. આગામી ચૂંટણીમાં છાપેલા મતપત્રકોથી ચૂંટણી કરાવો જેથી છાપકામ ઉદ્યોગને રોજગારી મળે અને સરકારી નાણાનો દુર્વ્યય અટકે

જિલ્લામાં આવેલા દૂરદર્શનના ટીવી રીલે કેન્દ્રો બંધ કરો કેમ કે ડીટીએચના જમાનામાં હવે રીલે કેન્દ્રો દેશ માટે નાણાનો દુર્વ્યય કરતા શોભાના ગાંઠીયા સમાન છે. ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સામેલ કરો અને ૫૧ વર્ષથી થતા અન્યાયને દૂર કરો. પાલિકા વિસ્તારમાં એસ. ટી. બસ સેવા શરૂ કરી શહેરી ટ્રાફિકનું ભારણ ઘટાડો. દર કલાકે મેમુ ટ્રેન સેવા શરૂ કરી હાઇવે પરનુ ટ્રાફિક ભારણ ઘટાડો અને રેલવે ગરનાળા ઉંચા અને પહોળા કરી ગરનાળા પાસે સર્કલ બનાવી ટ્રાફિકને હળવો કરવા સહીતના મુદે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. એક દિવસ માટે યોજાયેલા આ પ્રતિક ધરણામાં સંસ્થાના કાર્યકરો ઉપરાંત આમ નાગરીક પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જનહીતના મુદ્દાને લઇને યોજાયેલા ધરણાની સરાહના કરી હતી.